- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય બેંકે સરકારને ક્રિપ્ટોકરન્સી અંગેની પોતાની ચિંતાઓ જણાવી દીધી છે. હવે સરકારે તેના પર વિચાર-વિમર્શ કરવાનો છે. તેમણે કહ્યું કે હવે કેન્દ્ર સરકારે નક્કી કરવાનું છે કે આવા પ્લેટફોર્મ્સના પ્રસારનો સામનો કેવી રીતે કરવો. તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થામાં ખાનગી ક્રિપ્ટોકરન્સીનું યોગદાન શું હશે તેના પર અમને વિશ્વસનીય જવાબોની જરૂર છે.
દાસે કહ્યું કે આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં જીડીપી વૃદ્ધિમાં 9.5 ટકાના વધારાનું અનુમાન રાખ્યું છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય બેંક 9.5 ટકા વૃદ્ધિ દર પ્રાપ્ત કરવા માટે આશાવાદી છે.દાસે કહ્યું કે ઓગસ્ટ સુધીમાં COVID-19 ની બીજી લહેર શમી ગઈ હતી. બીજા ક્વાર્ટરથી ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધારે વિકાસ દર વધુ સારો રહેશે.દાસે કહ્યું કે રિઝર્વ બેંકે રોગચાળાને કારણે આર્થિક વૃદ્ધિ પર વધુ ભાર આપવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ તેણે સરકારે નક્કી કરેલ 2થી 6 ટકાના ફુગ્ગાવા દર હેઠળ જ રહેવું પડશે.
વૈશ્વિક બજારોમાં તરલતાની સ્થિતિ એકદમ સરળ છે. તેના કારણે સ્થાનિક બજારમાં તેજી જોવા મળી રહી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે સંપત્તિની ઊંચી કિંમતો ફુગાવાને અસર કરી રહી છે તે વાતમાં કંઈ તથ્ય નથી. વધુમાં દાસે કહ્યું હતું કે બેન્કિંગ સિસ્ટમની એનપીએ હવે એવા સ્તર પર આવી ગઈ છે કે તેને મેનેજ કરી શકાય છે. બેંકો પાસે પર્યાપ્ત મૂડી બફર છે. જૂન ક્વાર્ટરના અંતે બેન્કિંગ સિસ્ટમનો એનપીએ રેશિયો 7.5 ટકા હતો તેમ તેઓએ ઉમેર્યું હતું.