- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
સિઓલ, તા.14
ક્રિપ્ટોકરન્સી બજારમાં ભારે તારાજી સર્જનાર લુનાના ડેવલપરની ધરપકડ કરવા માટે દક્ષિણ કોરિયાની કોર્ટે આદેશ આપ્યો છે. અહેવાલ અનુસાર કોરિયાની કોર્ટે લુનાના ડેવલપર ડૉ ક્વોનની ધરપકડ કરવા વોરેન્ટ ઈશ્યુ કર્યું છે.
બ્લૂમબર્ગ ન્યૂઝના અહેવાલ અનુસાર સિઓલની એક અદાલતે ક્વોન અને અન્ય પાંચની ધરપકડ માટે વોરંટ જારી કર્યું છે. ટેરાફોર્મ લેબ્સના સ્થાપક સભ્યો નિકોલસ પ્લેટિયસ અને સંલગ્ન ચાઈ કોર્પોરેશનના સીઈઓ હેન મો માટે પણ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. વોરંટ એક વર્ષ સુધી ધરપકડ માટે માન્ય છે. ક્વોનનો પાસપોર્ટ રદ્દ કરવા અને તેને સ્વદેશ લાવવા માટે ઇન્ટરપોલની પણ મદદ લેવાઇ શકે છે.
દક્ષિણ કોરિયાની કોર્ટે ધરપકડનો આદેશ કર્યા બાદ ક્રિપ્ટોકરન્સી ટેરા લૂનાની કિંમતમાં છેલ્લા 24 કલાકમાં 36 ટકા અને LUNCમાં 25 ટકાનો કડાકો બોલાયો છે.
ડો ક્વીનનું ધરપકડનું આ વોરંટ 40 અબજ ડોલરની મૂલ્યના ઇકોસિસ્ટમ અને તેના એલ્ગોરિધમિક સ્ટેબલકોઈન (યુએસટી)ના પતન થયાના ચાર મહિના પછી ઇશ્યૂ કરવામાં આવ્યું હતું, જે આ ચાલુ વર્ષનો ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પ્રથમ કડાકો હતો.
ડૉ ક્વોન હાલ સિંગાપોરમાં છે. મે મહિનામાં ટેરાના પ્રકરણ બાદ ક્રિપ્ટો બજાર સાથે સંકળાયેલ લોકોને પ્રશ્ન થતો હતો કે શા માટે સત્તાધીશોએ ક્રિપ્ટોની ખાનાખરાબીમાં ક્વોનની ભૂમિકા અંગે તપાસ કરીને ધરપકડ કેમ નથી કરી.
સામે પક્ષે કવોન સમયાંતરે પોતે નિર્દોષ હોવાનો દાવો કરતા જોવા મળ્યા હતા. તેમણે અમુક પ્રસંગોમાં સ્વીકાર્યું પણ છે કે કેટલીક ભૂલો કરી હશે. સામે પક્ષે દાવો પણ કર્યો હતો કે ફરિયાદીઓએ હજુ સુધી તેનો સંપર્ક કર્યો નથી.