- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ, તા.14
દેશના ટોચના આઠ શહેરોમાં ચાલુ કેલેન્ડર વર્ષ 2022માં જાન્યુઆરીથી જૂન દરમિયાન 1.1 અબજ ડોલરની મૂલ્યના જમીનના સોદા થયા છે એવુ એક એનાલિસિસ રિપોર્ટમાં જણાવાયુ છે.
આ રિપોર્ટ મુજબ આ સોદા હેઠળ લગભગ 700 એકર જમીનનું સંપાદન કે ખરીદી કરવામાં આવી છે. આ જમીનો પર મકાન, ઓફિસ, રિટેલ, લોજિસ્ટિક અને ડેટા સેન્ટર જેવા પ્રોજેક્ટો ઉભા કરવામાં આવશે.
આ રિપોર્ટમાં જણાવાયુ છે કે, રિયલ એસ્ટટમાં વૃદ્ધિ અંગે ઘણો આશાવાદ જોવા મળ્યો છે. અલબત્ત વૈશ્વિક વલણોને ધ્યાનમાં રાખતા આપણે સાવધાની રાખવાની જરૂર છે.
વર્ષ 2022માં રિયલ એસ્ટેટના તમામ સેગમેન્ટો પાછલા વર્ષની સરખામણીએ ઘણો પ્રોત્સાહક દેખાવ કરશે. હાલ રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટની સાથે સાથે કોમર્શિયલ, ડેટા સેન્ટર અને સ્ટોરેજ સેક્ટરની માંગ ઘણી વધારે છે.
જો કે લોનના વધતા વ્યાજદરો, કોમોડિટીની ઉંચી કિંમતો, અમેરિકા અને યુરોપિયન અર્થતંત્રમાં વધી રહેલી આર્થિક મંદીની આશંકાને ધ્યાનમાં રાખતા સાવચેતી રાખવાની આવશ્યકતા છે. ઘણા વિસ્તારોમાં જમીનના ભાવ અતિશય વધી છે અને જો વ્યાજદરમાં ઝડપી વૃદ્ધિ થઇ તો તેની સીધી અસર પ્રોપર્ટીઝની કિંમતો પર થઇ શકે છે.
રિપોર્ટ અનુસાર રિયલ એસ્ટેટમાં રોકાણ ચાલુ વર્ષે 10 ટકા વધીને 2019ની ટોચે 6 અબજ ડોલરની નજીક પહોંચી શકે છે.
વર્ષ 2022ના પ્રથમ છ માસિકગાળામાં આ રોકાણ વાર્ષિક તુલનાએ ચાર ટકા વધીને 3.4 અબજ ડોલર થયુ છે. ઉપરાંત રેસિડેન્શિયલ સેક્ટરમાં નવા પ્રોજેક્ટોનું વેચાણ અને લોન્ચિંગ વર્ષ 2022માં દાયકાની ટોચે પહોંચવાની અને 2 લાખના આંકને પાર કરી જવાની સંભાવના છે. ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ સેક્ટર વાર્ષિક ધોરણે લગભગ 12 ટકા વૃદ્ધિ નોંધાવે તેવી શક્યતા છે.