- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com/
નવી દિલ્હી : ભારતના જૂન ક્વાર્ટરના જીડીપીના આંકડા ઈતિહાસમાં બીજા સૌથી શ્રેષ્ઠ હોવા છતાં અનુમાન કરતા ઓછા રહેતા હવે રેટિંગ એજન્સીઓના નેગેટીવ આઉટલુકની શરૂઆત થઈ છે. ભારતના વિકાસદરના અનુમાનમાં રેટિંગ એજન્સી મૂડીઝે ઘટાડો કર્યો છે.
મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે કેલેન્ડર વર્ષ 2022ની માટે ભારતના જીડીપી વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 7.7 ટકા કર્યું છે. માત્ર ચાલુ વર્ષ જ નહિ પરંતુ આગામી કેલેન્ડર વર્ષ 2023 માટે વિકાસદરના અંદાજમાં પણ ઘટાડો કર્યો છે.
મૂડીઝે 1 સપ્ટેમ્બરના રોજ રજૂ કરેલ રિપોર્ટમાં વૃદ્ધિદરની આગાહી ઘટાડી છે. મે મહિનામાં, મૂડીઝે 2022 માટે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન 9.1 ટકાથી ઘટાડીને 8.8 ટકા કર્યું હતું. મૂડીઝે ગુરુવારે જણાવ્યું હતું કે ભારતનો જીડીપી વૃદ્ધિ 8.8 ટકાને સ્થાને 2022માં 7.7 ટકા રહેવાનો અંદાજ મુક્યો છે. માત્ર 2022 જ નહિ પરંતુ 2023 માટે પણ જીડીપી વૃદ્ધિ 5.4 ટકાના બદલે 5.2 ટકા રહેવાની આગાહી કરી છે.
મૂડીઝે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, "અમારું માનવું છે કે ભારતનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 2021માં 8.3 ટકાની સરખામણીએ 2022 માં 7.7 ટકા રહેશે. વર્ષ 2023માં જીડીપી વૃદ્ધિદર વધુ ઘટીને 5.2 ટકા થઈ જશે. વ્યાજ દરમાં વધારાને દેશના અર્થતંત્રનો વિકાસ રૂંધાશે. આ સિવાય અસમાન ચોમાસાનો વરસાદ અને વૈશ્વિક વૃદ્ધિ મંદ પડતા ધીમી ગતિએ વૃદ્ધિ જોવા મળશે.
રેટિંગ એજન્સીએ મોંઘવારીને હજુ પણ સૌથી મોટો પડકાર ગણાવ્યો છે. આરબીઆઈ વૃદ્ધિ અને મોંઘવારી વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી છે. આ વર્ષે ડોલર સામે રૂપિયામાં લગભગ 7 ટકાનો ઘટાડો થતા આરબીઆઈ આયાતી ફુગાવાની અસર સામે પણ અર્થતંત્રને ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહી છે છે.
જોકે મૂડીઝના રિપોર્ટમાં આગામી સમયમાં મોંઘવારી ઘટવાની આશા વ્યકત કરવામાં આવી છે આ વર્ષના બીજા ભાગમાં ફુગાવાનું દબાણ ઓછું થશે અને 2023ના વર્ષે આ દબાણ વધુ ઘટશે.
મૂડીઝે જણાવ્યું હતું કે, "વૈશ્વિક કોમોડિટીના ભાવમાં શરૂઆતી સ્થિરતા વૃદ્ધિને ટેકો આપશે. જો સરકારી અને ખાનગી મૂડી ખર્ચ સાયકલ મજબૂત રહેશે તો આર્થિક વૃદ્ધિ 2023 માટે અમારા અનુમાન કરતાં વધી જશે."