- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી: આવતીકાલે પહેલી ઓગસ્ટથી અનેક મોટા બદલાવ થવા જઇ રહ્યાં છે. જેમાં તમારી નાણાંકીય લેવડ-દેવડ પર અસર પડી શકે છે. આવતી કાલથી PM Kisan રકમ, ઈ-કોમર્સને અસર, એલપીજીની કિંમત, સુકન્યા સમૃદ્ધિ યોજના, બેંકોમાં મિનિમમ બેલેન્સ, કર બચત રોકાણ, ઈન્કમટેક્સ રિટર્ન, વાહન ખરીદી, વંદે ભારત મિશન ફેરફાર જોવા મળશે.
ખેડૂતોના ખાતામાં આવશે PM Kisanની રકમ
ખેડૂતો માટે PM Kisan સન્માન નિધિ યોજના અંતર્ગત છઠ્ઠો હપ્તો અપાશે. આવતીકાલ 1 ઓગસ્ટથી મોદી સરકાર ખેડૂતોના બેંક ખાતામાં રૂ.2000નો છઠ્ઠો હપ્તો જમા કરશે. સરકારે આ યોજનાની શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં દેશના 9.85 કરોડ ખેડૂતોને રોકડ લાભ પહોંચાડ્યો છે. તમને જણાવી દઇએ કે, યોજનાનો પાંચમો હપ્તો 1 એપ્રિલ 2020ના રોજ આપવામાં આવ્યો હતો.
ઈ-કોમર્સ કંપનીઓએ પ્રોડક્ટના કંટ્રી ઓફ ઓરિજિનની જાણકારી આપવી પડશે
ઇ-કોમર્સ કંપનીઓથી લીધેલા 1 ઓગસ્ટથી પ્રોડક્ટની ઉત્પત્તિ જણાવવી જરૂરી રહેશે. પ્રોડક્ટ ક્યાં બની, કોણે બનાવી છે. જોકે મોટાભાગની કંપનીઓએ પહેલાથી જ આ જાણકારી આપવાની શરૂ કરી દીધી છે. તેમાં ફ્લિપકાર્ટ, મિંત્રા અને સ્નેપડીલ જેવી કંપનીઓ સામેલ છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)એ તમામ ઇ-કોમર્સ કંપનીઓને 1 ઓગસ્ટ સુધી તેમના ન્યૂ પ્રોડક્ટ લિસ્ટિંગની કંટ્રી ઓફ ઓરિજન (country of origin) અપડેટ કરવા માટે કહ્યું છે. મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટને વધારવા માટે આ કરવામાં આવ્યું છે. આ આત્મનિર્ભર ભારત તરફથી પ્રથમ પગલું વધારવામાં આવ્યું છે.
LPGની કિંમત
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિને પહેલી તારીખે એલપીજી રાંધણ ગેસ સિલિન્ડર અને એર ફ્યુઅલના નવા ભાવ જાહેર કરે છે. છેલ્લા કેટલાક મહિનાથી ભાવમાં વધારો થઈ રહ્યો છે. આવતીકાલ 1 ઓગસ્ટે LPGના ભાવમાં વધારો થઈ શકે છે. આ માટે તમારે માનસિક અને આર્થિક રીતે તૈયાર રહેવું પડશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
ટપાલ ખાતાએ લોકડાઉનને ધ્યાને રાખીને સુકન્યા સમૃદ્ધિ યોજનાના ગ્રાહકોને સુવિધા આપી હતી. ટપાલ ખાતાએ 25 જૂન 2020થી 30 જૂન 2020ની વચ્ચે લોકડાઉન અવધિમાં 10 વર્ષની વય પૂર્ણ કરી ચૂકેલી દિકરીનું SSY એકાઉન્ટ ખોલાવવા માટે 31 જુલાઈ 2020 સુધી છૂટ આપી હતી. આ યોજના હેઠળ દિકરીએ 10 વર્ષની વયમાં ખાતું ખોલવું પડશે.
બેંકોમાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી
મોટાભાગની બેન્કોએ પોતાના રોકડ સંતુલન અને ડિજિટલ ટ્રાન્જેક્શનને વધારવા માટે 1 ઓગસ્ટથી મિનિમમ બેલેન્સ પર ચાર્જ લાગુ કરવાની જાહેરાત કરી છે. સાથે જ આ બેન્કોમાં ત્રણ ફ્રી ટ્રાન્જેક્શન બાદ ચાર્જ પણ વસૂલવામાં આવશે. બેન્ક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra), એક્સિસ બેન્ક (Axis Bank), કોટક મહિન્દ્ર બેન્ક(Kotak Mahindra Bank) અને આરબીએલ બેન્ક (RBL Bank) માં આ ચાર્જ એક ઓગસ્ટથી લાગુ થશે. બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં બચત ખાતા ધારકોને મેટ્રો અને શહેરી ક્ષેત્રોમાં પોતાના એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ 2000 રૂપિયા રાખવુ પડશે જે પહેલાં 1500 રૂપિયા હતું. 2000 રૂપિયાથી ઓછુ બેલેન્સ રાખવા પર બેન્ક મેટ્રો અને શહેરી ક્ષેત્રોમાં 75 રૂપિયા, અર્ધ-શહેરી ક્ષેત્રોમાં 50 રૂપિયા અને ગ્રામીણ ક્ષેત્રોમાં 20 રૂપિયા પ્રતિ માસના દરે ચાર્જ લેશે.
RBL બેંક સેવિંગ ખાતાના નિયમ બદલાયા
હાલમાં RBLએ સેવિંગ ખાતા પર વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. જોકે નવા નિયમો આવતીકાલ 1 ઓગસ્ટથી લાગૂ થશે. હવે સેવિંગ્સ ખાતામાં 1 લાખ રૂપિયા જમા કરવા માટે 4.75 ટકા વાર્ષિક વ્યાજ મળશે. જ્યારે 1-10 લાખ રૂપિયા જમા કરવાથી 6 ટકા અને 1- લાખથી 5 કરોડ રૂપિયા સુધી જમા કરાવવા માટે 6.75 ટકા વ્યાજ મળશે. બેંકે અન્ય કેટલાક નિયમોમાં પણ ફેરફાર કર્યા છે અને તેમાં કહેવાયું છે કે જો ડેબિટ કાર્ડ ખોવાઈ જાય કે ડેમેજ થઈ જાય તો 200 રૂપિયા ચાર્જ આપવાનો રહેશે. હવે ટાઈટેનિયમ ડેબિટ કાર્ડ માટે વાર્ષિક 250 રૂપિયા ચૂકવવાના રહેશે. જ્યારે ગ્રાહક એક મહિના સુધી એટીએમથી 5 વખત ફ્રીમાં રૂપિયા કાઢી શકશે.
કર બચત રોકાણની છેલ્લી તક
સીબીડીટીએ નાણાકીય વર્ષ 2019-20 માટે કર બચત રોકાણો કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ સુધી વધારી હતી. જો તમે આવકવેરામાં મુક્તિ મેળવવા માટે હજુ સુધી કર બચત રોકાણ યોજનાઓમાં રોકાણ કર્યું નથી, તો તમારી પાસે આજે છેલ્લી તક છે.
આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ
નાણાકીય વર્ષ 2018-19 માટે મૂળ અથવા સુધારેલા આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2020ના રોજ સમાપ્ત થાય છે. તેથી, જેમણે હજી સુધી આ આવકવેરા રીટર્ન ફાઇલ કર્યું નથી, તેમના માટે આજે છેલ્લી તક છે. સાથે જ સરકારે 13 મે 2020 ના રોજ એક પ્રેસ રિલીઝ કરીને જાહેરાત કરી હતી કે, નાણાકીય વર્ષ 2019-20 માટે આવકવેરા રીટર્ન ભરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2020થી વધારીને 30 નવેમ્બર 2020 કરવામાં આવી છે.
કાર અને બાઈક ખરીદવી સસ્તું થશે
મોટર વ્હીકલ ઈન્શ્યોરન્સમાં બદલાવ કરવાથી આગામી મહિનાથી નવી કાર અથવા બાઈકની ખરીદી સસ્તી પડી શકે છે. કોરોના દરમિયાન કરોડો લોકોને આનો ફાયદો મળશે. ઈરડાએ કહ્યું કે લોન્ગ ટર્મ પેકેજ પોલિસીને કારણે નવું વાહન ખરીદવું લોકોને મોંઘુ પડી શકે છે. જો તમે પણ નવી કાર અથવા બાઈક ખરીદવા માંગો છો તો 1 ઓગસ્ટ બાદ તમે ઓટો ઈન્શ્યોરન્સ પર ઓછાં પૈસા ખર્ચ કરવા પડશે. ઈરડાએ મોટર થર્ડ પાર્ટી અને ઓન ડેમેજ ઈન્શ્યોરન્સથી જોડાયેલા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. આ નિયમ બાદ નવી કાર ખરીદનાર લોકોને 3 અને 5 વર્ષ માટે નવી કારનું ઈન્શ્યોરન્સ લેવાની જરૂર નહીં પડે.
વંદે ભારત મિશનનો 5મો તબક્કો શરુ થશે
કોરોનાવાઈરસના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે કેન્દ્ર સરકારે વંદે ભારત મિશન ફેઝ-5 શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં જ આ જાણકારી નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ટિ્વટર પર આપી છે. કેન્દ્રીય મંત્રીના જણાવ્યા અનુસાર, વંદે ભારત મિશનનો પાંચમો તબક્કો 1 ઓગસ્ટથી શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી ચાલશે. ફેઝ-૫માં યુએસએ, કેનેડા, કતાર, ઓમાન, યુએઈ, ઓસ્ટ્રેલિયા, જર્મની, થાઈલેન્ડ, સિંગાપોર, યુકે, સાઉદી અરેબિયા, બહેરિન, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ સહિત ઘણા દેશોમાંથી ભારતીયોને પરત લાવવામાં આવશે. પાંચમા તબક્કામાં સરકારે ઘણા દેશોનો સમાવેશ કર્યો છે. ચોથા તબક્કામાં અત્યાર સુધીમાં 1197 ફ્લાઇટ્સનું શેડ્યુઅલ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં 945 ઈન્ટરનેશનલ અને 252 ફીડર ફ્લાઈટ સામેલ છે. ટ્વીટ દ્વારા કેન્દ્રીય મંત્રીના જણાવ્યા પ્રમાણે, વંદે ભારત મિશન અંતર્ગત અત્યાર સુધી વિદેશમાં ફસાયેલા 8.14 લાખ ભારતીય નાગરિકોને લાવવામાં આવ્યા છે. તેમાંથી 2.70 લાખ ભારતીયોને 53 દેશોમાંથી ફ્લાઈટ દ્વારા લાવવામાં આવ્યા છે.