- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે તેમણે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન સહિત રાજ્યના તમામ ચાલુ વિકાસ પ્રોજેક્ટની સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ખેડુતો અને આદિવાસીઓના સખત વિરોધનો સામનો કરવો પડ્યો છે, જેમની જમીન સંપાદન કરવાની છે.
તેમણે રવિવારે મોડી રાત્રે પત્રકારોને સંબોધતા કહ્યું કે, "આ સરકાર સામાન્ય માણસની છે. જેમ તમે પૂછ્યું તો, હવે અમે બુલેટ ટ્રેન (પ્રોજેક્ટ)ની સમીક્ષા કરીશું. મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન માટે જે ખેડૂતો અને આદિવાસીઓની જમીન કબજે કરવામાં આવી છે તેમણે જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ઉદ્ધવે એવો દાવો કર્યો હતો કે અમે ખેડૂતોનાં હિતોને અગ્રતા આપીશું. તેમણે પત્રકારોને કહ્યું કે મેં ગોરેગાંવમાં આરે કોલોનીમાં કાર શેડનું કામ અટકાવ્યું છે. બુલેટ ટ્રેનનું કામ હજુ અટકાવ્યું નથી. માત્ર સમીક્ષા કરવાનો આદેશ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે, નવા મુખ્યમંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં આરે મેટ્રો કાર શેડ વિરુદ્ધ આંદોલન કરી રહેલા ઘણા પર્યાવરણવાદીઓ વિરુદ્ધ નોંધાયેલા કેસ પાછા ખેંચવાનો આદેશ આપ્યો છે. આ વૃક્ષો બચાવવા માટે વિરોધ કરી રહેલા વિરોધીઓ રવિવારે બપોરે આરે પર એકઠા થયા હતા અને સીએમ ઉદ્ધવ ઠાકરેનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં, મુંબઈની આરે કોલોનીમાં મેટ્રો કાર શેડ માટે કાપવામાં આવતા વૃક્ષોને બચાવવા માટે ધરણાની સાથે સાથે પ્રદર્શન પણ યોજાયું હતું. આ દરમિયાન પોલીસે પર્યાવરણીય કાર્યકરો સામે કેસ દાખલ કર્યા હતા. જ્યારે શપથ ગ્રહણના 24 કલાકની અંદર, મુખ્ય પ્રધાન ઠાકરેએ પહેલા નિર્ણયમાં આરે મેટ્રો કાર શેડ પ્રોજેક્ટનું કામ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.
રાજ્યની આર્થિક સ્થિતિ અંગે રાજ્ય સરકાર શ્વેતપત્ર લઈને બહાર આવશે તેમ ઠાકરેએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે લગભગ પાંચ લાખ કરોડ રૂપિયાનું દેવું ધરાવતું રાજ્ય સરકાર ખેડૂતોને બિનશરતી લોન માફી આપવા મક્કમ છે.