- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : દેશમા ચાલુ ચોમાસાની સીઝન દરમિયાન સારો વરસાદ પડે તો કૃષિ ઉત્પાદન વધશે જે મોંઘવારીને નીચે લાવશે અને વ્યાજદર ઘટાડવામાં મદદરૂપ બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
ઇંધણ અને ખાદ્યચીજોના ભાવ આસમાને પહોંચતા ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને મધ્યસ્થ બેન્કોને વધતા ફુગાવાને ડામવા વ્યાજદરમાં વૃદ્ધિનું શસ્ત્ર ઉગામવા મજબૂર કરી છે. ભારતમાં રિટેલ ફુગાવો મે મહિનામાં 7.04 ટકા અને હોલસેલ ઇન્ફ્લેશન 15.88 ટકા નોંધાયો છે.
ચાલુ ચોમાસાની સીઝન દરમિયાન દેશભરમાં સારો વરસાદ પડવાની અપેક્ષા છે જેનાથી કૃષિ પાકોનું ઉત્પાદન વધતા ખાદ્યચીજોની કિંમતો નીચે આવતા ફુગાવો ઘટવાની સંભાવના છે. અનાજ, કઠોળ, તેલીબિયાંનું ઉત્પાદન વધતા ઘઉં, ઘઉંનો લોટ, ખાદ્યતેલો, ચોખા સહિત વિવિધ ખાદ્યચીજોના ભાવ ઘટશે. તે મધ્યસ્થ બેન્કને વ્યાજદર ઘટાડવાનો અવકાશ પૂરું પાડી શકે છે.
ઉપરાંત ક્રૂડ ઓઇલ સહિત વિવિધ કોમોડિટીના ભાવમાં વૃદ્ધિ પણ મોંઘવારીની સમસ્યા પાછળનું એક મુખ્ય કારણ છે. ભારતમા સરકાર પાસે મોંઘવારી સામે લડવા માટે એક્સાઇઝ ડ્યૂટી અને વેટમાં ઘટાડો કરીને તેમજ કૃષિ પેદાશો સીધી સબસિડી આપવા જેવા વિકલ્પો છે. પરંતુ સરકાર હાલ વ્યાજદર વધારીને મોંઘવારીને ડામવા પ્રયાસ કરી રહી છે. રિઝર્વ બેન્કે સત બે મહિનામાં બે તબક્કામાં વ્યાજદરમાં 0.90 ટકાનો વધારો કર્યો અને ચાલુ વર્ષે વધુ 0.75 ટકાનો વધારો થવાની આશંકા અર્થશાસ્ત્રીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.