- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
અમદાવાદ : દેશમાંથી નાણાં એકત્ર કરીને તેને વિદેશમાં મોકલી અનેક પ્રકારની મિલકતો ખરીદીને મોટા કૌભાંડો આચરવા ભારતમાં હવે સામાન્ય વાત બની ગઈ છે. આ પ્રકારની વધુ એક ઘટના કોબ્રાપોસ્ટના રીસર્ચમાં બહાર આવી છે.
અહેવાલ અનુસાર ભારતની વિવિધ નાણાંકીય સંસ્થાઓ પાસેથી અંદાજે 1 લાખ કરોડની લોન લઈને શેલ કંપનીઓને લોન આપીને કૌભાંડ આચર્યું છે. ડીએચએફએલના વાધવાન પરિવારે ભારતની અગાઉથી દેવાગ્રસ્ત સરકારી બેંકો અને કૌભાંડગ્રસ્ત ICICI-એક્સિસ બેંક પાસેથી ઋણ ઉઘરાવીને ડીએચએફએલે સમૂહ કંપનીઓ અને શેલ કંપનીઓને વિના જામીનગીરી આપી દીધી છે.
કઈ રીતે આચર્યું કૌભાંડ ?
ડીએએચએફએલે વિવિધ શેલ કંપનીઓ ઉભી કરીને કૌભાંડ આર્ચયું છે. કોબ્રાપોસ્ટના રીપોર્ટ અનુસાર આ એનબીએફસીએ બેંકો તથા નાણાંકીય સંસ્થાઓ પાસેથી કુલ 96,880 કરોડની લોન લીધી છે.
આ લોનમાંથી 31,312 કરોડ રૂપિયા નોન-કન્વર્ટેબલ ડિબેન્ચર પેટે એકત્ર કરવામાં આવ્યા છે. આ સિવાય 36,963 કરોડ રૂપિયા બેંક પાસેથી લોન પેટે, 2965 કરોડ એક્સટર્નલ કોમર્શિયલ બોરોઈંગ થકી, 2848 કરોડ રૂપિયા નેશનલ હાઉસિંગ બોર્ડ(NHB) પાસેથી એકત્ર કરવામાં આવ્યા છે.
કંપનીએ જાણેર જનતા પાસેથી પણ નાણાં ઉઘરાવી ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે. ડીએચએફએલે પબ્લિક ડિપોઝીટરૂપે પણ 9225 કરોડ રૂપિયા અને 13,567 કરોડ અન્ય જામીનગીરીરૂપે એકઠા કરવામાં આવ્યા છે.
આ કુલ 96,880 કરોડમાંથી 84,982 કરોડની મસમોટી રકમ લોન અને એડવાન્સિરૂપે અન્ય કંપનીઓ અને પક્ષકારોને આપવામાં આવી હતી. વાર્ષિક સરવૈયા અનુસાર ડીએચએફએલએ 36 બેંકો,જેમાં 32 રાષ્ટ્રીય સરકારી અને ખાનગી બેંકો, છ વિદેશી બેંકો પાસેથી પૈસા એકત્ર કર્યા છે.
DHFL પાસેથી કોણે કેટલા રૂપિયા લેવાના હતા ?
કોબ્રાપોસ્ટના અહેવાલ અનુસાર વાધવાન સમૂહે અનેક કંપનીઓ ઉભી કરીને, તેને નાણાં આપીને ઉચાપત કરી છે. 45 કંપનીઓને DHFLએ 14,282 કરોડની લોન આપી છે,જેમાંથી 34 તો શેલ કંપનીઓ છે અને તે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે વાધવાનના નેજા હેઠળની જ છે. 34 શેલ કંપનીઓને 10,493 કરોડની અનસિક્યોર્ડ લોન આપવામાં આવી છે. સહાના ગૃપની 11 કંપનીઓને 3789 કરોડ રૂપિયાની પણ લોન આપવામાં આવી છે.આમાંથી મુખ્ય બધી જ કંપનીઓએ એક જ એડ્રેસ કે એકબીજા સાથે સંકળાયેલ છે. હદ તો ત્યા થાય કે અમુક કંપનીઓના તો ઈ-મેઈલ આઈડી પણ સમાન હોય.
રસપ્રદ વાત એ છે કે તેમાંની 34 કંપનીઓ તો કોઈજ પ્રકારનો કારોબાર નથી કરતી કે કોઈ આવક નથી કરતી, તેમ છતા બેરોકટોક હજારો કરોડની લોનની લ્હાણી કરવામાં આવી છે. ડીએચએફએલના જ ઓડિટર્સ આ શેલ કંપનીઓ અને આ કૌભાંડમાં સંડોવાયેલ કંપનીઓના ઓડિટર્સ છે. વાત ત્યારે આંખે વાગે છે કે એક ઉચ્ચ માપદંડ ધરાવતી ઓડિટર એજન્સીઓને પણ આ કૌભાંડની જરાય ગંધ ન આવી અને તેઓએ પરિણામો, નાણાંકીય વ્યવહારોને અધિકૃત કર્યા.
1 લાખની સામાન્ય અધિકૃત મૂડી સાથે કારોબાર શરૂ કરનાર અનેક ગૃપ કંપનીઓને ડીએચએફએલએ કોઈપણ જામીનગીરી કે ગીરો મિલકત વગર અનસિક્યોર્ડ લોન આપી, એ પણ માત્ર એક જ તબક્કે. આ 35 કંપનીઓએ લીધેલ લોન અંગેની કોઈપણ માહિતી એમસીએની વેબસાઈટ પર નથી જણાવી, જે કાયદેસર જરૂરી છે. અમુક કંપનીઓએ અમુક રકમ દર્શાવી છે તો તેમાં લેણદારનું નામ નથી જાહેર કર્યું, કે જેથી ડીએચએફએલના આ કૌભાંડનો પર્દાફાશ ન થાય. 26મી જાન્યુઆરી, 2019 સુધી અમુક કંપનીએ હજી નાણાંકીય વર્ષ 2017-18ની બેલેન્સ શીટ પણ કંપની રજિસ્ટાર પાસે નથી જમા કરાવ્યા.
અમુક શેલ કંપનીઓનું કનેકશન સહાના ગૃપ સાથે છે, જે પણ વાધવાન સમૂહ સાથે સંકળાયેલ છે. સહનાને આપવામાં આવેલ મોટાભાગની લોન એનપીએ જાહેર થઈ ચૂકી છે. આ કંપનીઓના ડાયરેકટર પદે કામ કરી રહેલ જીતેન્દ્ર જૈનની ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા પણ તપાસ થઈ રહી છે. જૈન હાલ જ્યુડિશીયલ કસ્ટડીમાં છે.