- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ આજે સરકાર દ્વારા ઔદ્યોગિક ઉત્પાદન આંક અને મોંઘવારીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે જેમા કહી ખુશ - કહી ગમનો માહોલ છે. જેમાં નવેમ્બર મહિનાનો ઔદ્યોગિક ક્ષેત્રે વૃદ્ધિદર ધીમો પડ્યો છે જે ચિંતાની બાબત છે તો બીજી બાજુ ડિસેમ્બર મહિનાનો મોંઘવારીનો દર ઘટ્યો છે જેનાથી સરકારી અને રિઝર્વ બેન્કને ફુગાવાના મોરચે થોડીંક રાહત મળી છે.
નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન 1.9 ટકા ઘટ્યુ
સરકાર દ્વારા આજે વર્ષ 2020ના નવેમ્બર મહિના ઔદ્યોગિક ઉત્પાદન આંક એટલે કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP)ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ નવેમ્બર 2020માં ઔદ્યોગિક ઉત્પાદન આંકના વૃદ્ધિદરમાં 1.9 ટકાનું સંકોચન આવ્યુ છે. એટલે કે નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદન આટલા ટકા ઘટ્યુ છે. જ્યારે ઓક્ટોબર 2020માં ઔદ્યોગિક ઉત્પાદનમાં 3.6 ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી. બીજા શબ્દોમાં કહીયે તો ઔદ્યોગિક ક્ષેત્રે નવેમ્બરમાં રિકવરીની ગતિ મંદ પડી છે અને તેને પગલે IIP ગ્રોથ ઘટ્યો છે.
ઔદ્યોગિક વૃદ્ધિદરમાં સંકોચન મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રની મંદીને આભારી છે. નવેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનુ ઉત્પાદન 1.7 ટકા ઘટ્યુ છે જો કે બીજી બાજુ પાવર સેક્ટરનું ઉત્પાદન 3.5 ટકા વધ્યુ છે. માઇનિંગ સેક્ટરનું પ્રોડક્શન 7.3 ટકા ઘટ્યુ છે.
આ સાથે સરકારે ઓક્ટોબર મહિનાના ઔદ્યોગિક વૃદ્ધિદરમાં સુધારો કર્યો છે અને તે અગાઉના 3.6 ટકાથી સુધારીને હવે 4.2 ટકા જાહેર કર્યો છે.
ડિસેમ્બરમાં મોંઘવારી દર ઘટ્યો
ડિસેમ્બરમાં મોંઘવારી ઘટ્યો છે. ડિસેમ્બર મહિનામાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) એટલે કે ગ્રાહક ભાવાંકની રીતે મોંઘવારી દર ઘટીને 4.59 ટકા થયો છે. જ્યારે નવેમ્બરમાં મોંઘવારી દર 6.93 ટકા વધ્યો હતો. મોંઘવારી દર ઘટવાનું કારણ ખાદ્યચીજોના ભાવમાં ઘટાડો છે. ફૂડ પ્રાઇસ ઇન્ફ્લેશન નવેમ્બરમાં 9.43 ટકાના વધારાની સામે ડિસેમ્બરમાં 3.41 ટકા જ વધ્યા છે. જેમાં શાકભાજીના ભાવ નવેમ્બરમાં 15.63 ટકા વધ્યા હતા જ્યારે ડિસેમ્બરમાં 10.41 ટકા ઘટ્યા છે. તેવી જ રીતે કઠોળના ભાવ નવેમ્બરમાં 17.91 ટકા વધ્યા બાદ ડિસેમ્બરમાં 15.98 ટકા વધ્યા છે. અનાજમાં પણ ભાવવધારાનો દર નવેમ્બરના 2.32 ટકાથી ઘટીને ડિસેમ્બરમાં 0.98 ટકા થયો છે. વિજળી અને પાવર સેક્ટરમાં મોંઘવારીનો દર નવેમ્બરના 1.90 ટકાની સામે ડિસેમ્બરમાં વધીને 2.99 ટકા થયો છે.
મોંઘવારી દર ઘટવાથી સરકાર અને રિઝર્વ બેન્કને ઉંચા ફુગાવાની ચિંતામાં થોડીક રાહત મળી છે. રિઝર્વ બેન્કે ચાલુ નાણાંકીય વર્ષ 2020-21 માટે રિટેલ ઇન્ફ્લેશનનો લક્ષ્યાંક 4 ટકા નક્કી કર્યો છે.