- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હીઃ દેશમાં જ્યાં હજુ પણ એક દેશ, એક ચૂંટણીની વાતો ચાલી રહી છે આ દરમ્યાન મોદી સરકાર એક દેશ, એક રેશનિંગ કાર્ડ લાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉપભોક્તા બાબત અને ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગના કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને જણાવ્યું કે સરકાર આ દિશામાં આગળ વધી રહી છે.
પાસવાન જણાવે છે કે રેશનિંગ કાર્ડની દેશ ભરમાં પોર્ટેબિલિટી સુવિધા શરૂ કરવામાં આવશે જેનાથી એ સુનિશ્ચિત થઈ શકે કે તમામ લાભાર્થી ખાસ કરીને પ્રવાસી લોકોને દેશમાં ક્યાંય પણ સાર્વજનિક વિતરણ પ્રણાલી (PDS) હેઠળ જરૂરી ખાદ્ય સામગ્રી મળી શકે. કેન્દ્રીય મંત્રી પાસવાને રાજ્યોને ખાદ્ય સચિવ અને સરકારી અધિકારીઓની એક બેઠકમાં સંબોધિત કરતા આ વાત કહી. તેમણે કહ્યું કે પીડીએસના ઇંટીગ્રેટેટ મેનેજમેન્ટ હેઠળ રેશનિંગ કાર્ડોની એક સેંટ્રલ રિપોઝિટરી (કેન્દ્રીય સંગ્રહ કેન્દ્ર) બનાવવામાં આવશે જેથી રાષ્ટ્રીય સ્તર પર બેવડાધોરણોથી દૂર રહી શકાય.
આ કાર્યક્રમને સંબોધિત કરતા ઉપભોક્તા બાબતે અને ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગના રાજ્ય મંત્રી દાનવે રાવસાહબ દાદારાવે રાજ્યોને આગ્રહ કર્યો છે કે તે રેશનિંગ કાર્ડના ડિજિટાઈઝેશન પર કામ કરે. આ નવી વ્યવસ્થા મુજબ તમામ લોકો દેશભરમાં એક જ રેશનિંગ કાર્ડનો ઉપયોગ કરી શકશે. જો કે આ રેશનિંગ કાર્ડમાં જે લોકો ગેરરીતિ આચરી રહ્યા હોય તેમના વિરુદ્ધ સરકાર કડક પગલા લેશે. સરકાર આધારકાર્ડની જેમ રેશનિંગ કાર્ડને એક વિશિષ્ટ યુનિક ઓળખ નંબર આપશે જેથી ફ્રોડથી બચી શકાય.
સરકાર આ નવા વન રેશનિંગ કાર્ડ માટે એવી વ્યવસ્થા કરશે જેમાં એક ઓનલાઈન એકીકૃત (ઇંટેગ્રેટેડ) સિસ્ટમ બનાવવામાં આવશે અને જેમાં તેના ડેટા સ્ટોર કરવામાં આવશે. આ વ્યવસ્થા બાદ દેશમાં કોઈપણ વ્યક્તિ ગમે તે જગ્યાએ ખોટી રીતે રેશનિંગ કાર્ડ બનાવવાનો પ્રયાસ કરશે તો સિસ્ટમ દ્વારા જલ્દી ધ્યાનમાં આવી જશે.