- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

અમદાવાદઃ કોરોનાના કપરાં કાળમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અનાજ મળે અને દેશમાં કોઇ પણ વ્યક્તિ ભુખ્યું ન રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વડાપ્રધાને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના વધુ 5 મહિના લંબાવવાની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયથી દેશના 80 કરોડ ગરીબ લોકોને લાભ મળશે.
આજે રાષ્ટ્રજોગ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે, કોરોનાની મહામારી અને લોકડાઉનથી ગરીબ લોકો સામે મુશ્કેલી સર્જાઇ છે. તેમને આગામી સમયમાં પણ પુરતા પ્રમાણમાં અનાજ મળતુ રહે તે માટે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને જુલાઇથી નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. કારણ કે, આ 5 મહિનાઓમાં મોટાભાગના તહેવારો જેવા કે, શ્રાવણ મહિનો, જન્માષ્ટમી, નવરાત્રી, દુર્ગાપૂજા, દિવાળી અને છઠ્ઠપૂજા પૂર્વ આવી રહ્યા છે. આ દરમિયાન લોકોને વાજબી ભાવે અનાજ મળી રહે તે માટે આ યોજનાનો વિસ્તાર કરાયો છે.
હવે 1 કિગ્રા ચણા પણ મફતમાં મળશે
વડાપ્રધાને કહ્યુ કે, મોદી સરકાર દર મહિને 5 કિગ્રા ઘઉં અથવા 5 કિગ્રા ચોખા મફત આપશે. આ ઉપરાંત હવેથી પ્રત્યેક પરિવારને દર મહિને 1 કિગ્રા ચણા પણ મફતમાં અપાશે.
સરકારે વધુ રૂ.90 હજાર કરોડનો ખર્ચ કરશે
પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યુ કે, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વધુ 5 મહિના માટે વિસ્તરણ કરવામાં આવતા તેની પાછળ 90 હજાર કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થશે. જો તેમાં પાછલા ત્રણ મહિનામાં ખર્ચ થયેલી રકમનો પણ ઉમેરો કરાય તો આ રકમ લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાની આસપાસ થાય છે.