- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : ક્રૂડ ઓઇલમાં ભારે ઉતાર-ચઢાવ અને ખાસ કરીને ઉંચા ભાવે વધારે રિફાઈનિંગ માર્જિનનો નફો રેળી રહેલ કંપનીઓ પાસેથી વધારાના નફા પર ટેક્સ વસૂલવાની સરકારની નીતિમાં દર 15 દિવસે ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. આજે સરકારે આ વિન્ડફોલ ટેક્સમાં ફરી ફેરફાર કર્યો છે.
સ્થાનિક બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમતોને કાબૂમાં રાખવા માટે સરકારે 1 જુલાઈથી તેમની નિકાસ પર લાદવામાં આવેલા વિન્ડફોલ ટેક્સમાં સુધારો કર્યો છે. સરકારે મંગળવારે ક્રૂડ, ડીઝલ અને જેટ ફ્યુઅલ (ATF) પરના વિન્ડફોલ ટેક્સમાં સુધારા અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.
હવે સરકારે પેટ્રોલિયમ ક્રૂડ ટેક્સ 17,000 રૂપિયા પ્રતિ ટનથી વધારીને 17,750 રૂપિયા પ્રતિ ટન કર્યો છે. આ સાથે જેટ ઇંધણ પરનો ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે. અગાઉ જેટફ્યુઅલ પર 4 રૂપિયા પ્રતિ લિટર ટેક્સ લાગતો હતો. એ જ રીતે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટી 11 રૂપિયા પ્રતિ લિટરથી ઘટાડીને 5 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.
1 જુલાઈથી લાગુ થયો છે વિન્ડફોલ ટેક્સ :
સ્થાનિક બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકારે 1 જુલાઈના રોજ પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ લાદ્યો હતો. પેટ્રોલ અને એટીએફની નિકાસ પર પ્રતિ લિટર રૂ. 6નો વિન્ડફોલ ટેક્સ લાદવામાં આવ્યો હતો જ્યારે ડીઝલની નિકાસ પર પ્રતિ લિટર રૂ. 13નો ટેક્સ લાદવામાં આવ્યો હતો. તેમજ સ્થાનિક ક્રૂડ પર 23,230 રૂપિયા પ્રતિ ટનની એક્સાઈઝ ડ્યુટી લાદવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકારે 21 જુલાઈએ વિન્ડફોલ ટેક્સમાં પણ સુધારો કર્યો હતો. ડીઝલ અને વિમાન ઇંધણની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં પ્રતિ લિટર રૂ. 2નો ઘટાડો કરવામાં આવ્યો હતો, જ્યારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લિટર રૂ. 6ની વસૂલાત સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવી હતી. સ્થાનિક ક્રૂડની નિકાસ પરનો ટેક્સ 27 ટકા ઘટાડીને 17,000 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવ્યો છે.
વિન્ડફોલ ટેક્સ ઘટતા કોને ફાયદો ?
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, ઓઈલ ઈન્ડિયા અને વેદાંત લિમિટેડને વિન્ડફોલ ટેક્સ કાપનો ફાયદો થશે. આ ઉપરાંત રશિયાની રોસનફેટની નાયરા એનર્જીને પણ ફાયદો થશે, જે ગુજરાતમાં 20 મિલિયન ટનની વાર્ષિક રિફાઈનરીનું સંચાલન કરે છે.
માર્કેટ એક્સપર્ટના અંદાજ અનુસાર આ ટેક્સ ઘટાડાનો ફાયદો સૌથી વધુ ફાયદો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને થશે. કંપનીની ગુજરાતમાં બે ઓઈલ રિફાઈનરી છે જેમાંથી એક રિફાઈનરીનો સંપૂર્ણપણે ઉપયોગ માત્ર નિકાસ માટે થાય છે.