- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી, તા.14
કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ બુધવારે કથિત બેંક લોન છેતરપિંડી કેસમાં મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે બુલિયન કંપનીના ખાનગી લોકરોની તપાસ કર્યા પછી 47 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું સોનું અને ચાંદી જપ્ત કર્યું છે.
કેન્દ્રિય તપાસ એજન્સી એક નિવેદનમાં જણાવ્યું કે પારેખ એલ્યુમિનેક્સ લિમિટેડ નામની કંપની સામેના કેસ સંદર્ભે રક્ષા બુલિયન અને ક્લાસિક માર્બલ્સના ચાર સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ઈડીએ પાડેલા દરોડાની કાર્યવાહી બુધવારે સમાપ્ત થઈ છે. આ સિક્રેટ લોકર્સમાં તપાસ એજન્સીએ કુલ 431 કિલો સોનું ચાંદી જપ્ત કર્યું છે. દરોડા દરમિયાન બુલિયન કંપનીના પરિસરમાંથી કેટલાક 'ખાનગી લોકરની ચાવીઓ મળી આવી હતી. પ્રાઈવેટ લોકરોની શોધખોળ કરતાં જાણવા મળ્યું હતું કે લોકરો યોગ્ય ધારાધોરણોને અનુસર્યા વિના ચલાવવામાં આવી રહ્યા હતા. કોઈ કેવાયસી નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું અને પરિસરમાં કોઈ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હતા. સંકુલમાં 761 લોકર હતા, જેમાંથી ત્રણ રક્ષા બુલિયનના હતા.
તેમણે જણાવ્યું કે લોકરોની તપાસ કરતા માલૂમ પડ્યું કે બે લોકરમાં 91.5 કિલો ગોલ્ડ બાર અને 152 કિલો ચાંદી મળી આવી હતી, જેને જપ્ત કરવામાં આવ્યા છે. આ સિવાય વધારાની 188 કિલો ચાંદી પણ રક્ષા બુલિયનના પરિસરમાંથી જપ્ત કરવામાં આવી હતી. EDએ કહ્યું કે જપ્ત કરાયેલા સોના અને ચાંદીની કુલ અંદાજિત કિંમત 47.76 કરોડ રૂપિયા છે.
બેંક ફ્રોડનો છે કેસ :
પારેખ એલ્યુમિનેક્સ લિમિટેડ સામે મની લોન્ડરિંગનો કેસ માર્ચ 2018નો છે. તેણે રૂ. 2296.58 કરોડની લોન લીધી હતી. કંપની પર બેંકો સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ છે.
ઇડીએ દાવો કર્યો હતો કે આ બેંક લોન વિવિધ કંપનીઓ દ્વારા લેયરિંગ કરીને લેવામાં આવી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે "અસુરક્ષિત લોન અને રોકાણો આપવાના સંદર્ભમાં વિવિધ ખાતાઓમાં નાણાં મોકલવામાં આવ્યા હતા. તેનો હેતુ લોન લેવાનો ન હતો અને આવા વ્યવહારો માટે કોઈ કરાર પણ નહોતા થયા. ઇડીએ આ કેસમાં અગાઉ 2019માં રૂ. 205 કરોડથી વધુની સંપત્તિ ટાંચમાં લીધી હતી.