- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

શાંઘાઈ તા. 17
કોરોના મહામારીની બીજી લહેરમાં વિશ્વના અનેક દેશ પ્રભાવિત થયા હતા, અનેક દેશોની અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી પરંતુ કોરોનાના જનક ગણાતા ચીનના અર્થજગતમાં ગત સમગ્ર વર્ષમાં શાનદાર વૃદ્ધિ જોવા મળી છે. વર્ષ 2021માં ચીનની અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળ્યો હતો. ચીનની સરકારે સોમવારે કહ્યું કે પડકારો છતાં ચીનની અર્થવ્યવસ્થા 8.1 ટકા વધીને લગભગ 18 લાખ કરોડ ડોલર થઈ છે.
નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ (NBS) દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટા અનુસાર ચીનની અર્થવ્યવસ્થા ગયા વર્ષના ચોથા ક્વાર્ટરમાં ચાર ટકાના દરે વૃદ્ધિ પામી હતી, જે ત્રીજા ત્રિમાસિક ગાળાના 4.9 ટકાના વૃદ્ધિ દર કરતા નીચો આંકડો હતો પરંતુ સમગ્ર 2021માં વિકાસ દર 8.1 ટકા રહ્યો છે. મહત્વની વાત એ છે કે વાસ્તવિક જીડીપી વૃદ્ધિ સરકાર દ્વારા ગત વર્ષ માટે નિર્ધારિત કરેલ છ ટકાના લક્ષ્યાંકને પણ વટાવી ગયો છે.
સોમવારે જારી કરાયેલા ડેટા અનુસાર ચીનનું ફિક્સ્ડ-એસેટ રોકાણ 2021માં વાર્ષિક ધોરણે 4.9 ટકા વધ્યું છે. એનબીએસ અનુસાર ગત વર્ષે રિયલ એસ્ટેટમાં રોકાણ 54.45 ટ્રિલિયન યુઆન (લગભગ 8.56 ટ્રિલિયન ડોલર)ને વટાવી ગયું હતું. રિપોર્ટ અનુસાર ડ્રેગનનું ખાનગી ક્ષેત્રનું રોકાણ 2021માં 7 ટકા વધીને લગભગ 30.77 ટ્રિલિયન યુઆન થયું હતું. 2021માં ચીનના રિટેલ વેચાણ (વપરાશ વૃદ્ધિના મુખ્ય સૂચકાંક) વાર્ષિક ધોરણે 12.5 ટકા વધ્યું હતુ.
સરકારી આંકડા અનુસાર ચીનનો જીડીપી દર 6 ટકાથી વધુના સરકારી લક્ષ્યાંક કરતાં પણ નોંધપાત્ર વધારે છે અને બે વર્ષની સરેરાશ વૃદ્ધિ 5.1 ટકા રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે કોરોના રોગચાળાને કાબૂમાં રાખીને ચીનની અર્થવ્યવસ્થાએ 2021માં આર્થિક રિકવરી યથાવત રાખી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે 2019ના અંતમાં દેખા દેનાર કોરોનાવાયરસથી ચીનની અર્થવ્યવસ્થાને મસમોટો ફટકો પડ્યો હતો. 2020ના વર્ષે ચીનનું અર્થતંત્ર માત્ર 2.3 ટકાના દરે વિકસ્યું હતુ, જે ચીનનો છેલ્લા 45 વર્ષનો સૌથી નીચો વાર્ષિક વૃદ્ધિ દર હતો.