- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

vyaapaarsamachar.com
નવી દિલ્હી : ૧૯૪૭થી જ્યારથી કેન્દ્રનું બજેટ રજુ થતું આવ્યું છે ત્યારથી આ વર્ષમાં પહેલી વખત બજેટ દસ્તાવેજોનું છપાઈકામ નહીં થાય અને સંસદસભ્યોને બજેટની કોપી પ્રિન્ટ સ્વરૂપમાં નહીં પરંતુ તેની સોફટ કોપી પૂરી પાડવામાં આવશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
કોરોનાનું ઈન્ફેકશન ફેલાય નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બજેટ દસ્તાવેજોને પ્રિન્ટિંંગ સ્વરૂપમાં તૈયાર કરવા માટે મોટી સંખ્યાના કર્મચારીઓની આવશ્યકતા પડે છે.
આઝાદ ભારતનું સૌ પ્રથમ સામાન્ય બજેટ ૨૬ નવેમ્બર ૧૯૪૭ના રજુ થયું હતું, ત્યારથી દર વર્ષે નાણાં મંત્રાલયના ઈનહાઉસ પ્રિન્ટિંગ પ્રેસમાં દસ્તાવેજની છપાઈકામ કરવામાં આવે છે.
કોરોનાને ધ્યાનમાં રાખી વર્તમાન વર્ષમાં રાજ્યસભા તથા લોકસભા બન્નેના સચિવાલયે સંસદસભ્યોને સોફટ કોપી ચલાવી લેવા સમજાવી લીધા છે. જે સભ્યો ટેકનોલોજીના ખાસ જાણકાર નથી તેમની માટે પણ થોડીઘણી કોપી છાપવાનું શકય નહીં હોવાનું સુત્રોએ જણાવ્યું હતું, કારણ કે આ માટે પણ કર્મચારીની સંખ્યામાં ખાસ ફરક પડતો નથી.
સામાન્ય સ્થિતિમાં પ્રિન્ટિંગ પ્રેસમાં ૧૦૦ જેટલા કર્મચારીઓનેએક પખવાડિયા સુધી કામે લગાડવામાં આવતા હોય છે પરંતુ આ વર્ષે કોરોનાના ઈન્ફેકશનના જોખમને ટાળવા આવી કોઈ કામગીરી હાથ નહીં ધરવાનો નિર્ણય લેવાયો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
બજેટ દસ્તાવેજો તૈયાર થઈ જવા બાદ તેને લોકસભા તથા રાજ્યસભા સુધી પહોંચતા કરવા માટે પણ અસંખ્ય કર્મચારીઓની આવશ્યકતા પડે છે. આગામી નાણાં વર્ષનું બજેટ નાણાં પ્રધાન ૧લી ફેબુ્રઆરીના સંસદમાં રજુ કરનાર છે.