- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : કોરોનાકાળ દરમિયાન ભારતના ધનકુબેરોની સંપત્તિ બમણી વૃદ્ધિમાં 720 અબજ ડોલરે પહોંચી ગઇ છે ઉપરાંત ધનાઢ્યોની કુલ સંખ્યા પણ 102થી વધીને 142 થઇ ગઇ છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, ભારતના સૌથી વધુ ધનવાન 10 વ્યક્તિઓ પાસે એટલી અઢળક સંપત્તિ છે કે તેનાથી દેશના બાળકોનો શાળા અને ઉચ્ચ શિક્ષણ માટેનો 25 વર્ષ સુધીનો ખર્ચ પૂરો કરી શકાય છે.
કોરોનાકાળ દરમિયાન દેશમાં આર્થિક વહેંચણી અસમાન બનતા અમીર અને ગરીબ વચ્ચેની ખીણ વધારે પહોંચી થઇ ગઇ છે. ધનાઠ્યો વધુને વધુ ધનવાન થઇ રહ્યા છે જ્યારે ગરીબ લોકો વધુ ગરીબ થઇ રહ્યા છે. મહામારીને કારણે છેલ્લા એક વર્ષમાં દેશમાં 84 ટકા પરિવારોની આવક કે કમાણીમાં જંગી ઘટાડો થયો છે. દેશના સૌથી વધુ ધનવાન 98 અબજોપતિઓ પાસે લગભગ રૂ. 49.27 લાખ કરોડની સંપત્તિ છે, જે આર્થિક ધોરણે નીચલા સ્તરના 55.5 કરોડ લોકોની કુલ સંપતિ જેટલી છે. બીજા શબ્દોમાં કહીયે તો 55.5 કરોડ લોકોની સંપત્તિ જેટલાં નાણાં માત્ર દેશના 98 ધનાઢ્યો પાસે છે.
એક ખાનગી સંસ્થા ઓક્સફેમ ઇન્ડિયાના અહેવાલ ‘ઇનઇક્વિલિટી કિલ્સ’માં એવો દાવો કરાયો છે કે, વર્ષ 2021માં ભારતના 142 ધનકુબેરોની કુલ સંયુક્ત સંપત્તિ વધીને 720 અબજ ડોલર કે રૂ. 53 લાખ કરોડે પહોંચી ગઇ છે. જો દેશના સૌથી મોટા 10 અબજોપતિ દરરોજ 10 લાખ ડોલરનો ખર્ચ કરે તો પણ તેમની વર્તમાન ખજાનો ખાલી થવામાં 84 વર્ષ જેટલો સમય લાગશે.
ધનાઢ્યો પર એક ટકા સરચાર્જ લાદવા ભલામણ
ઓક્સફેમ સંસ્થાએ ભલામણ કરી છે કે, સરકારે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે રોકાણ કરવા દેશના સૌથી ધનિક 10 ટકા વ્યક્તિઓ પર એક ટકા સરચાર્જ લાદવો જોઇએ. ભારતના સૌથી ધનાઢ્ય 10 અબજોપતિઓની સંપત્તિથી બાળકોનો શાળા અને ઉચ્ચ શિક્ષણ માટેનો 25 વર્ષ સુધીનો ખર્ચ પુરો થઇ શકે છે. ધનાઢ્યો પરના વાર્ષિક વેલ્થ ટેક્સથી સરકારને દર વર્ષ 78.3 અબજ ડોલરની આવક થઇ શકે છે. જે સરકારના આરોગ્ય બજેટમાં 271 ટકાનો વધારો કરવા અથવા પરિવારોના ખિસ્સા બહારના આરોગ્ય ખર્ચને પૂરો કરવા અને લગભગ 30.5 અબજ ડોલરનો ખર્ચ કરવા માટે પૂરતું છે.
આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સુરક્ષા પાછળ અપૂરતો સરકારી ખર્ચ અને આરોગ્ય - શિક્ષણનું ખાનગીકરણ બંને ઘટનાઓ એક સાથે બની છે, આથી કોરોના મહામારીમાંથી સંપૂર્ણ રિકવરી એ સામાન્ય નાગરિકો માટે પહોંચ બહારની વાત છે.
આરોગ્ય સંકટ હવે આર્થિક સંકટ બન્યુ
કોવિડ-19 મહામારીની શરૂઆત આરોગ્ય સંકટ તરીકે થઈ હતી પરંતુ હવે તે આર્થિક સંકટ બની ગઈ છે. ઓક્સફેમે જણાવ્યું કે, સૌથી ધનવાન 10 ટકા વ્યક્તિઓનો દેશની કુલ સંપત્તિના 45 ટકા ભાગ પર કબજો છે જ્યારે 50 ટકા વસ્તી પાસે માત્ર 6 ટકા જ સંપત્તિ છે.
વર્ષ 2016માં સંપત્તિ ટેક્સ નાબૂદ થવા સહિત રાજ્યોની નીતિઓ, કોર્પોરેટ ટેક્સમાં ધરખમ ઘટાડો અને પરોક્ષ કરમાં ઘટાડો જેવા પરિબળોના લીધે ધનાઢ્યો વધુને વધુને ધનવાન થઇ રહ્યા છે. જેનાથી સરકાર પણ નાણાંકીય સંશાધનોથી વંચિત રહી છે. ભારતમાં રાષ્ટ્રીય લઘુત્તમ વેતન વર્ષ 2020થી દૈનિક રૂ. 178 (2.4 ડોલર) સ્થિર રહ્યુ છે.
કોરોના મહામારી દરમિયાન દેશના 84 ટકા પરિવારોની કમાણી ઘટતા ભારતમાં ગરીબી ચિંતાજનક દરે વધી છે. ઓક્સફેમના રિપોર્ટ મુજબ વર્ષ 2020માં દક્ષિણ એશિયન રાષ્ટ્રમાં ગરીબોની સંખ્યા બમણી વધીને 13.4 કરોડે પહોંચી ગઇ છે. એક અન્ય અહેવાલ મુજબ દૈનિક મહેનતાણું મેળવતા શ્રમિકો, સ્વરોજગારી મેળવનાર અને બેરોજગારોએ સૌથી વધુ આત્મહત્યા કરી છે.