- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
નવી દિલ્હી : ભારતમાં ધનાઢ્યોની સંખ્યા વધી રહી છે તેમ તેમ આવા લોકો વતન છોડીને વિદેશની ‘વાટ’ પકડવાની એટલે કે વિદેશમાં સ્થાયી થવાની વિચારણા કરી શકે છે. ચાલુ વર્ષે લગભગ 8000 જેટલા હાઇ-નેટવર્થ ઇન્ડિવિઝ્યુઅલ એટલે કે ધનિક વ્યક્તિઓ ભારત છોડીને વિદેશ જશે એવી આગાહી એક અહેવાલમાં કરાઇ છે.
હેનલી ગ્લોબલ સિટિઝન્સ રિપોર્ટ અનુસાર, ભારતમાં કરવેરા સંબંધિત આકરાં નિયમો અને જાણકારી આપવાની આવશ્યકતાઓ, તેમજ મજબૂત પાસપોર્ટની જરૂરિયાત જેવા પરિબળો ધનાઢ્ય લોકોને વિદેશમાં વસવાટ કરવા પ્રેરિત કરી રહ્યા છે. ઉપરાંત દેશમાં સતત વધી રહેલા જોખમને પગલે મોટી સંખ્યામાં યુવા ઉદ્યોગસાહસિકો વૈશ્વિક વ્યાપાર અને રોકાણની સંભાવનાઓ શોધી રહ્યા છે.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, આગામી 10 વર્ષમાં ભારતમાં કરોડપતિઓ અને અબજોપતિઓની સંખ્યામાં 80 ટકાની વૃદ્ધિ થશે જ્યારે બીજી બાજુ આવા ધનિકોની સંખ્યા અમેરિકામાં માત્ર 20 ટકા તો ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને યુકેમાં 10 ટકા જ વધશે. આ સમયગાળા દરમિયાન ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા એસેટ્સ માર્કેટ્સ પેકીનું એક બનશે. જેને પગલે ખાસ કરીને સ્થાનિક ફાઇનાન્સિયલ સર્વિસ, હેલ્થકેર અને ટેક્નોલોજી સેક્ટરમાં મજબૂત વૃદ્ધિ જોવા મળશે.
ભારતમાં જૂના ઉદ્યોગપતિઓની સંખ્યા અકબંધ રહે છે અને બીજી બાજુ નવા જમાનાના ઉભરતા ટેક ઉદ્યોગસાહસિકોની નવી પેઢી ધનાઢ્યોની યાદીમાં ઉમેરાઇ રહી છે, જેઓ પુષ્કળ સુવિધાઓ-લાભો અને ઓછા ટેક્સ વસૂલતા હોય તેવા દેશોમાં પોતાની સંપત્તિઓનો એક ખસેડવા આતુર છે. ઉપરાંત પરિવાર માટે વધુ સારી શૈક્ષણિક અને આરોગ્યની સુવિધાઓ સહિત ઉચ્ચ જીવનધોરણની અપીલ પણ ભારતીય ધનાઢ્યોને વિદેશમાં વસવાટ કરવા પ્રેરિત કરી રહી છે. વિદેશમાં વસવાટ કરવા માટે ભારતીયો માટે યુરોપના દેશો ઉપરાંત પરંપરાગત રીતે દુબઇ, સિંગાપોર લોકપ્રિય સ્થળ છે.
આ રિપોર્ટ મુજબ સંયુક્ત અરબ અમિરાત વર્ષ 2022માં ઓછામાં ઓછામાં 4,000 ધનાઢ્યો વ્યક્તિઓને આકર્ષિત કરી શકે છે, જે વૈશ્વિક સ્તરે સૌથી વધારે છે. ત્યારબાદ સિંગાપોરમાં 3500 અને ઓસ્ટ્રેલિયામાં 2800 ધનાઢ્યો લોકો વસવાટ માટે સ્થળાંતર કરી શકે છે.