- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
અમદાવાદ, તા.13
વેદાન્તાએ વિશ્વની અગ્રણી સેમીકન્ડકટર અને ડિસપ્લે વેફર કંપની હોન હાઈ પ્રિસિઝન ઇન્ડસ્ટ્રીઝ (જે ફોકસકોમ તરીકે ઓળખાય છે) સાથે સંયુક્ત સાહસ શરૂ કરી ગુજરાતમાં રૂ.૧.૫૪ લાખ કરોડ (૧૯.૫ અબજ ડોલર)ના રોકાણ સાથે ઉત્પાદન હાથ ધરવાની જાહેરાત કરી હતી. આજે કેન્દ્રના ઇલેક્ટ્રોનીક્સ અને કોમ્યુનિકેશન મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં એમઓયુ ઉપર હસ્તાક્ષર કરી આ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી.
ભારત સરકારે આત્મનિર્ભરતા માટે અને કોરોનાકાળ પછી વિશ્વમાં વધી રહેલી સેમીકન્ડકટરની અછત સમયે ભારતમાં સ્થાનિક ઉત્પાદન શરુ થાય તેના માટે પ્રયાસ હાથ ધર્યા છે. ભારતમાં સેમીકન્ડકટર અને તેની વેફર માટે ૨૦૦૯થી પ્રયાસ ચાલી રહ્યા હતા. સરકારના અનેક પ્રયત્ન અને રોકાણ પ્રોત્સાહન પછી પણ જોકે આ દિશામાં કોઈ સફળતા મળી નથી.
લંડન સ્ટોક એક્સચેન્જ ઉપર પોતાની કંપનીના લિસ્ટિંગમાં સફળ રહેલા પ્રથમ ભારતીય અનિલ અગ્રવાલ અને તાઈવાનની અગ્રણી સેમીકન્ડકટર કંપની ફોકસકોનના સંયુક્ત સાહસના સ્વુરૂપે આ કંપની ગુજરાતમાં આ ઉત્પાદન હાથ ધરવામાં આવશે એવી શક્યતા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાના સહીતના રાજ્યો સાથે વાટાઘાટ કર્યા પછી વેદાન્તાએ ગુજરાત ઉપર પસંદગી ઉતારી હોવાનું જાણવા મળ્યું છે.
વેદાંતા કંપનીના વડા અનિલ અગ્રવાલે જણાવ્યુ કે, પ્રથમ તબક્કામાં કંપની એક પ્લાન્ટ સેમીકન્ડકટર માટે અને બીજો ડિસપ્લે વેફર માટે શરૂ કરશે. “પ્રથમ તબક્કામાં ૧૦ અબજ ડોલર એટલે કે રૂ.૮૦,૦૦૦ કરોડ જેટલું રોકાણ થશે એવો અંદાજ છે. મોબાઈલ, લેપટોપ, ઓટોમોબાઈલ્સ કે અન્ય ઇન્ટીગ્રેટેડ સર્કીટ માટે જરૂરી ૨૮ નેનોમીટરની ચીપ અને ૧૨ ઇંચ ડિસપ્લે સાથે પ્લાન્ટ શરૂ કરીશું. સમગ્ર પ્લાન્ટ ફોકસકોમના તાઈવાનના આનુભવના આધારે શરૂ થશે. પ્લાન્ટની ડીઝાઈન, મશીનરી અને ઓપરેશન બધું જ ફોકસકોમના અન્ય પ્લાન્ટની નકલ હશે. ધીમે ધીમે અહી સ્થાનિક લોકોને ટ્રેનીંગ આપવાનું અને તેમને પ્લાન્ટ ઓપરેશનમાં લઇ જવાની જવાબદારી પણ ફોકસકોમની રહેશે.
અહી નોંધવું જોઈએ કે તા.૬ સપ્ટેમ્બરના રોજ વેદાન્તા જૂથના ચેરમેન અનિલ અગ્રવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ સત્તાવાર કોઈ જાહેરાત થઇ ન હતી પણ અનિલ અગ્રવાલે ટ્વીટ કરી એવું જણાવ્યું હતું કે વડાપ્રધાન સાથે મહત્વની બેઠક પૂર્ણ થઇ છે અને ભારતમાં બીજી સીલીકોન વેલીનું સપનું પૂરું કરવાના દિવસો આવી રહ્યા છે.
સુત્રોએ જણાવ્યું હતું કે વેદાન્તા અને ફોકસકોનના આ સંયુક્ત સાહસ માટે લગભગ ૧૦૦૦ એકર જમીન જોઇશે અને તેના માટે સસ્તી વીજળીની પણ જરૂરીયાત ઉભી થશે. વેદાન્તા મોબાઈલ ફોન અને અન્ય ચીજો માટે ડિસ્પ્લે માટેની સેમીકન્ડકટર ચીપ બનાવવાનું શરુ કરે એવી શક્યતા છે. ભારતમાં અત્યારે વર્ષે ૧૫ અબજ ડોલરની સેમીકન્ડકટર જરૂરીયાત છે તે પાંચ વર્ષમાં વધી ૬૩ અબજ ડોલર થવાની શક્યતા છે.