- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

અમદાવાદ : કોરોના વાઇરસનું સંક્રમણ વિશ્વ આખામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે અને વાઇરસને કારણે મરનારા લોકોનો આંક ચાર હજારની પાર પહોંચી ગયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO)ને આ જ કારણે તેને વૈશ્વિક મહામારી (pandemic) જાહેર કરી છે. ભારતમાં પણ કોરોના વાયરસના (Coronavirus cases in India) 70થી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સદનસિબે ગુજરાતમાં કોરોના વાયરસ (Coronavirus Cases in Gujarat)નો એક પણ પોઝિટિવ કેસ હજી સુધી નોંધાયો નથી, પરંતુ લોકોમાં ચોક્કસ આ વાયરસને લઈને ફફડાટ ફેલાયો છે.
જો તમને પણ કોરોના વાયરસ જેવા કોઈ લક્ષણો દેખાઈ રહ્યા છે અથવા આ બાબતે કોઈ મૂંઝવણ કે શંકા છે તો તમે સરકારે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર 104 પર ફોન કરીને માહિતી મેળવી શકો છો. આ ઉપરાંત તમામ મોટા શહેરોમાં આવેલી સિવિલ હૉસ્પિટલો ખાતે કોરોના વાયરસની સારવાર કે આવા દર્દીઓને અલગ રાખવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા સ્તરના આરોગ્ય કેન્દ્રો ખાતે પણ કોરોના વાયરસના શકમંદ દર્દીઓ માટે સારવાર ઉપલબ્ધ છે. એટલે કોઈ પણ વ્યક્તિ ઉપરના સ્થળોની મુલાકાત લઈ શકે છે. આ કેન્દ્રો ખાતે શકમંદ લાગતા દર્દીઓના સેમ્પલ લઈને તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવશે. આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરેના જણાવ્યા પ્રમાણે અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજ ખાતે કોરોના વાયરસના ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલા સેમ્પલ પૂના મોકલવામાં આવતા હતા
અમદાવાદ સહિત રાજ્યના વિવિધ એરપોર્ટ ખાતે વિદેશી આવતા મુસાફરોની સ્ક્રિનિંગ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અમદાવાદ, સુરત જેવા એરપોર્ટ પર 24*7 ડૉક્ટરોની ટીમ તહેનાત રહે છે. સ્ક્રિનિંગ દરમિયાન જો કોઈ મુસાફરમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળે છે તો તેના સેમ્પલ લઈને તેને આઇસોલેશનમાં ખસેડવામાં આવે છે. આ ઉપરાંત મુસાફર ક્યાંથી આવ્યો છે તેની વિગતો પણ મેળવવામાં આવે છે.
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે ગત અઠવાડિયે કોરોના વાયરસ મામલે રાજ્યના મ્યુનિસિપલ કમિશનરો તેમજ કલેક્ટરોને કેટલાક આદેશ કર્યા હતા. જે પ્રમાણે જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ આવેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલનું મેપિંગ કરી આ તમામ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ શરૂ કરવાનો આદેશ કર્યો છે. આ વોર્ડમાં આઇસોલેશન બેડ, વેન્ટિલેટર,જરૂરી સાધનો,પી.પી.કીટ, એન 95 માસ્ક, થ્રી લેયર માસ્ક વગેરે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 24 કલાક કંટ્રોલ રુમ શરૂ કરવા તેમજ એક હેલ્પલાઇન નંબર પ્રસારિત કરવાની સૂચના આપવામાં આવી છે.
Vyaapaarsamachar.com is also on telegram. Click and join VyaapaarSamachar for getting Breaking news on business, finance and commodities. https://t.me/Vyaapaar