- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com/
મુંબઇ : આગામી સમયમાં ખાંડના ભાવ સાંભળીને જ મોં કડવુ થઇ શકે છે. ભારતીય ખાંડ મિલ સંગઠન (ઇસ્મા) દ્વારા ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત (એમએસપી) હાલના રૂ. 31 થી વધારીને રૂ. 36થી 37 પ્રતિ કિગ્રા કરવા સરકારને ભલામણ કરી છે.
ઇસ્માએ જણાવ્યુ કે, શેરડીના ખરીદ મૂલ્ય અને ઉત્પાદન ખર્ચમાં વધારો થવાથી ખાંડની વેચાણ કિંમત વધારવી જોઇએ. ખાદ્ય સચિવને લખેલા પત્રમાં જણાવ્યુ કે, કેન્દ્ર સરકાર દ્વારા શેરડી માટે નિર્ધારિત યોગ્ય અને લાભકારક મૂલ્ય (એફઆરપી)ની ખેડૂતોને ચૂકવણી કરવા ખાંડની એમએસપી માટે મહત્વપૂર્ણ છે.
સંગઠને જણાવ્યુ કે, હાલના સમયમાં ખાંડની એક્સ-મિલ કિંમત સમગ્ર ભારતમાં લગભગ રૂ. 33થી 34 પ્રતિ કિગ્રા છે, જ્યારે મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા મુખ્ય ખાંડ ઉત્પાદક રાજ્યોમાં તે રૂ. 33થી નીચે છે. ખાંડનો પ્રતિ કિગ્રા ઉત્પાદન ખર્ચ હાલની લઘુત્તમ વેચાણ કિંમત કરતા વધારે છે. આથી એમએસપી વધારીને રૂ. 36થી 37 કરવા ભલામણ કરવામાં આવી છે. સુગર મિલોની લગભગ 85 ટકા આવક ખાંડના વેચાણમાંથી પ્રાપ્ત થાય છે.
સંગઠને કહ્યુ કે, કેન્દ્ર સરકારે જૂન 2018થી ખાંડની લઘુત્તમ વેચાણ કિંમત નક્કી કરી છે જેને છેલ્લે ફેબ્રુઆરી 2019માં વધારીને રૂ. 31 પ્રતિ કિગ્રા કરાઇ હતી અને તે સમયે શેરડીનું એફઆરપી મૂલ્ય રૂ. 275 પ્રતિ ક્વિન્ટલ હતુ. ત્યારબાદ અત્યાર સુધીમાં બે તબક્કાવારમાં તેમાં પ્રતિ રૂ.15નો વધારો કરાયો છે પરંતુ બીજી બાજુ ખાંડની એમએસપી વધી નથી. વર્ષ 2021-22ની માટે શેરડીની એફઆરપી રૂ. 290 પ્રતિ ક્વિન્ટલ હતી જે આગામી 2022-23ની સીઝન માટે રૂ. 15 વધારીને રૂ. 305 પ્રતિ ક્વિન્ટલ કરાઇ છે.