- {{todayDate | date: 'EEE, MMM dd, yyyy'}}

www.vyaapaarsamachar.com
મુંબઇ : જેમ્સ અને જ્વેલરીની કુલ નિકાસ ઓગસ્ટ 2022માં વાર્ષિક ધોરણે 6.7 ટકા વધીને રૂ. 26,418.84 કરોડ થઈ હતી. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)એ જાહેર કરેલ માસિક રિપોર્ટમાં આ માહિતી આપી છે. કાઉન્સિલના આંકડા અનુસાર ઓગસ્ટ 2021 દરમિયાન જેમ્સ અને જ્વેલરીની કુલ નિકાસ રૂ. 24,749.69 કરોડ હતી.
આ વર્ષે ઓગસ્ટમાં પોલિશ્ડ અને પોલિશ્ડ ડાયમંડની કુલ નિકાસ 0.84 ટકા ઘટીને રૂ. 14,955.8 કરોડ થઈ છે. ઓગસ્ટ 2021માં તે 15,082.28 કરોડ રૂપિયા હતી.
એપ્રિલ-ઓગસ્ટ 2022 દરમિયાન ડાયમંડનું કુલ ગ્રોસ એક્સપોર્ટ 1.59 ટકા વધીને રૂ. 78,697.84 કરોડ થયું છે, જે ગત નાણાંકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 77,465.26 કરોડ હતી.
કાઉન્સિલના પ્રમુખ વિપુલ શાહે જણાવ્યું કે, “છેલ્લા બે મહિનાથી ચીનની અર્થવ્યવસ્થામાં મંદીને કારણે હીરાની નિકાસને મોટાપાયે અસર થઈ છે. ઉપરાંત રશિયા અને યુક્રેનના યુદ્ધને કારણે પણ હીરાની નિકાસને અમુક અંશે અસર થઈ છે. આ સિવાય ઓગસ્ટમાં સોનાના દાગીનાની કુલ નિકાસ 25.44 ટકા વધીને રૂ. 2970.78 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ સમાન મહિનામાં તે રૂ. 2368.24 કરોડ હતી.
ઓગસ્ટમાં સોનાની નિકાસ 47 ટકા ઘટીને 3.57 અબજ ડોલર નોંધાઇ છે. તો ચાંદીની નિકાસ વર્ષ પૂર્વેના ઓગસ્ટની 15.4 કરોડ ડોલરથી વધીને આ વખતે 68.43 કરોડ ડોલર થઇ છે.